કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી છે. જે કેન્સર, મેલેરિયા અને HIV જેવા વિવિધ રોગો માટે જવાબદાર પરિબળોના પ્રવેશ માટે દરવાજાની ભૂમિકા નિભાવે છે. આ તરફ હવે આની ઓળખ કરીને હવે રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવવાના ઉપાયો કરી શકાય છે.પ્રોફેસર શુક્લાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના કેટલાક લોકોમાં ડફી એન્ટિજેન રીસેપ્ટર જોવા મળતું નથી આ માહિતીના આધારે ભવિષ્યમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, કેન્સર અથવા અન્ય જીવલેણ રોગોના ચેપને મનુષ્યના કોષોમાં પ્રવેશતા કેવી રીતે અટકાવી શકાય.
IIT કાનપુરના ડાયરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે આ સિદ્ધિ બદલ સંશોધન ટીમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે તેનાથી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.સંશોધન ટીમમાં શીર્ષા સાહા, જગન્નાથ મહારાણા, સલોની શર્મા, નસરાહ ઝૈદી, અન્નુ દલાલ, સુધા મિશ્રા, મણિશંકર ગાંગુલી, દિવ્યાંશુ તિવારી, રામાનુજ બેનર્જી અને IIT કાનપુરના પ્રો. અરુણકુમાર શુક્લ સામેલ હતા.