23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. નવા નિયમ હેઠળ ઈન્ડેક્સેશન નો ફાયદો બંધ કરવાની વાત સરકારે કરી હતી. જેની અસરના પરિણામે મોટાભાગના કેસોમાં એવું જોવા મળ્યું કે કોઈ વ્યક્તિ પ્રોપર્ટી વેચે તો પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડતો હતો. ચારેબાજુથી આ મુદ્દે હંગામો મચ્યો અને લોકોની ભારે નારાજગી જોતા હવે સરકાર તરફથી રિયલ એસ્ટેટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ના પ્રસ્તાવમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
સરકાર તરફથી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મિડલ ક્લાસ અને બીજા પ્રોપર્ટી માલિકોને ચિંતા હતી કે નવા નિયમોથી તેમણે વધુ ટેક્સ ભરવો પડશે. નવા નિયમોમાં મોંઘવારીના કારણે કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખતી ‘ઈન્ડેક્સેશન’ સુવિધા બંધ કરવામાં આવી હતી. આ સાથે જ ટેક્સનો દર 20%થી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો. આ ફેરફાર એટલા માટે કરાયો કારણ કે તમામ પ્રકારની પ્રોપર્ટી પર અલગ અલગ નહીં પરંતુ એક જેવો ટેક્સ લાગે. જો કે ટેક્સ ઓથોરિટી અને સીતારમણ તરફથી લોકોને આશ્વાસન આપવાની કોશિશ કરાઈ હતી કે નવા નિયમોથી લોકોને નુકસાન નહીં થાય. અનેક જાણકારોનું કહેવું હતું કે આ ફેરફાર જૂની સંપત્તિઓ પર વધુ અસર પાડશે.
રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેઈનના ટેક્સ ફોર્મ્યૂલામાં ફેરફારના કારણે આ ફાયદો ખતમ થવાની અણીએ હતો. EY ઈન્ડિયામાં ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીઝના સીનિયર એડવાઈઝર સુધીર કાપડિયાએ કહ્યું કે, સરકારે વધુ રાહત આપી દીધી છે. લોકોને એ પસંદ કરવાની આઝાદી આપી છે કે તેમના માટે શું સારું છે. સરકારે એ પણ કોશિશ કરી છે કે કોઈને પણ નુકસાન ન થાય.