પીટીઆઇ વોશિંગ્ટન: યુએસના મિશિગન સ્ટેટમાં ઓકલેન્ડ કાઉન્ટીમાં રોશેસ્ટર હિલ્સ વિસ્તારમાં રહેતાં ૪૦ વર્ષના ભારતીય ડોક્ટર ઉમર એજાઝની વર્ષો સુધી હોસ્પિટલ્સમાં ગુપ્ત કેમેરાઓ ગોઠવી મહિલાઓ તથા બાળકોના નગ્ન અવસ્થામાં ફોટાઓ પાડી તેનો સંગ્રહ કરવાના ગુનાસર આઠમી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરની પત્નીએ વ્યથિત કરી મુકે તેવી સામગ્રીઓ સાથે રજૂઆત કર્યા બાદ પોલીસને તેના ડોક્ટર પતિના ગુનાઓની જાણ થઇ હતી. અગાઉ કોઇ ગુનાઇત રેકોર્ડ ન ધરાવતાં બે પુત્રોના પિતા એવા ડોક્ટર પર વીસ લાખ ડોલર્સના બોન્ડ નક્કી કરાયા છે.
ઓકલેન્ડ કાઉન્ટીના શેરિફે માઇક બોચાર્ડે જણાવ્યું હતું કે ડોક્ટરના ઘરેથી હજારો વિડિયોમળી આવ્યા છે. એક જ હાર્ડ ડ્રાઇવ પર પોલીસને ૧૩,૦૦૦ વિડિયો મળી આવ્યા છે. જેને તપાસવામાં મહિનાઓ લાગી જશે. અગાઉ સ્પોર્ટસ ડોકટર લેરી નાસરે જે પ્રકારે સેક્સકાંડ કર્યો હતો તેની સાથે આ ડોક્ટરના કૃત્યને સરખાવવામાં આવી રહ્યું છે.
પોલીસે આઠમી ઓગસ્ટે ડોક્ટરની ધરપકડ કરી એ પછી સંખ્યાબંધ વોરન્ટસ જારી કરી છ કમ્પ્યુટર્સ, ચાર ફોન્સ અને પંદર એક્સટર્નલ ઉપકરણો કબજે કર્યા છેે. એજાઝ પર તેરમી ઓગસ્ટે બાળકોની જાતીય સતામણી, નગ્નાવસ્થામાં તસવીરો પાડવાના તથા ગુનો કરવા માટે ક્મ્પ્યુટરનો ઉપયોગ કરવાના આરોપ મુકવામાં આવ્યા છે. ઓકલેન્ડ કાઉન્ટીના પ્રોસિક્યુટર કરેન મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે એજાઝ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તથા હોસ્પિટલ્સમાં તેના શિકારને શોધતો હતો. ૨૦૨૩માં તેણે ગોલ્ડફિશ સ્વિમિંગ કલબના ચેન્જિગ રૂમમાં બાળકો તથા તેમની માતાઓના ફોટા પાડયા હતા. ડોક્ટરના ભોગ બનેલાંઓમાં બે વર્ષના બાળકથી માંડી મહિલાઓનો સમાવેશ થાય છે.
એજાઝ ૨૦૧૧માં વર્ક વીઝા પર ભારતથી યુએસમાં આવ્યો હતો. સિનાઇ ગ્રેસ હોસ્પિટલમાં રેસિડેન્સી કર્યા બાદ તે અલાબામામાં રહ્યો હતો. તે ૨૦૧૮માં મિશિગનમાં પાછો ફર્યો હતો. તેણે ક્લિન્ટન ટાઉનશિપમાં આવેલી હેન્રી ફોર્ડ મેકોમ્બ હોસ્પિટલ તથા ગ્રાન્ડ બ્લાકમાં આવેલી એસિન્શન જેનેસિસ હોસ્પિટલમાં પણ કામ કરેલું છે. હાલ તે એક કંપનીમાં ફિઝિશ્યન તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે જેમાં તેને વિવિધ હોસ્પિટલ્સમાં મોકલવામાં આવે છે. આ ડોક્ટરના કારસ્તાનનો ભોગ બનેલાં લોકોની સંખ્યા એટલી મોટી છે કે પોલીસે લોકો માટે એક ખાસ ઇમેઇલ એડ્રેસ બનાવ્યું છે જેથી લોકો સત્તાવાળાઓનો સંપર્ક કરી તેમને જરૂરી માહિતી આપી શકે.