ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ની રિલીઝ પહેલા આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મના ડાયરેક્ટર સનોજ મિશ્રા ગુમ થઈ ગયા છે. બીજેપીના મંડી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે મમતા બેનર્જીને મદદ માટે અપીલ કરી છે અને એવો પણ દાવો કર્યો છે કે સનોજ કુમાર મિશ્રા કોલકાતા પહોંચ્યા બાદ ગુમ થઈ ગયા છે. ડાયરેક્ટરના અચાનક ગુમ થવાથી કંગના રનૌત નારાજ છે અને તેના કરતા પણ વધુ નારાજ ડિરેક્ટરની પત્ની છે. આ સમગ્ર મામલાને લઈને કંગનાએ એક તસવીર સાથે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે.
કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સનોજ કુમારની તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, ‘આ સનોજ કુમાર મિશ્રા છે, તેણે ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મમતા બેનર્જી સરકારે તેમની સામે કેસ દાખલ કર્યો હતો અને તેઓ આ સંબંધમાં સુનાવણીમાં હાજરી આપવા માટે 14 ઓગસ્ટે કોલકાતા જવા રવાના થયા હતા. કોલકાતા પહોંચતા જ તે ગુમ થઈ ગયા હતા. તેની પત્ની મને રોજ ફોન કરે છે. ગઈકાલે રાત્રે તે ખૂબ જ પરેશાન હતી અને બંગાળ જવા રવાના થઈ ગઈ હતી. હું મમતા બેનર્જીને વિનંતી કરું છું કે તે લાચાર મહિલાને તેના પતિને શોધવામાં મદદ કરે. આભાર.’