Satya Tv News

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શેખ હસીના, તેમના પૂર્વ કેબિનેટ પ્રધાનો અને સહયોગીઓ સામે આજે હત્યાના વધુ ચાર કેસો દાખલ કરવામાં આવ્યા છે તેમ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ ટેક્સાઇલ પ્રધાન ગુલામ દસ્તગીર ગાઝીની ધરપકડ કરવામાં આવી છે. ક્યા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છ તે પોલીસે હજુ સુધી જાહેર કર્યુ નથી. એક મહિના પછી ઢાકા મેટ્રોની સેવાઓ શરૃ થતાં રોજ અપડાઉન કરતા યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મેટ્રો શરૃ થતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

બાંગ્લાદેશ રાયફલ્સ (બીડીઆર)ના તત્કાલીન અધિકારી અબ્દુલ રહીમના ૨૦૧૦ના મોતના કેસમાં ૭૬ વર્ષીય હસીના, બોર્ડર ગાર્ડ ઓફ બાંગ્લાદેશના પૂર્વ ડાયરેક્ટર જનરલ અઝીઝ એહમદ અને અન્ય ૧૧ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીડીઆરના પૂર્વ ડેપ્યુટી આસિસટન્ટ ડાયરેક્ટર રહીમ પિલખાનામાં થયેલા કત્લેઆમના સંદર્ભમાં દાખલ કેસમાં આરોપી હતાં. તે જ વર્ષે ૨૯ જુલાઇએ જેલમાં  તેમનું મોત થયું હતું. રહીમના પુત્ર વકીલ અબ્દુલ અઝીઝે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મોહંમદ અખ્તર ઉઝમાની કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર ૧૮ જુલાઇએ ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન મિલિટરી ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એમઆઇએસટી)ના  એક વિદ્યાર્થીની હત્યાના કેસમાં હસીના અને અન્ય ૪૮ની વિરુદ્ધ રવિવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં દેખાવો દરમિયાન ઢાકામાં ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ (ટીસીબી)ના ઉત્પાદનોના એક વિક્રેતાની હત્યા અંગે હસીના અને અન્ય ૨૭ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં દેખાવો દરમિયાન ઢાકામાં એક ઓટો રિક્ષા ડ્રાઇવરની હત્યા અંગે હસીના સહિત ૨૫ લોકોની વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ સાથે જ શેખ હસીના સામે કુલ ૫૩ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી ૪૪ કેસ હત્યા, સાત કેસ માનવતા વિરુદ્ધ અપરાધો, એક કેસ અપહરણ અને એક કેસ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સરઘસ પર હુમલો કરવાનો છે.

error: