જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી એસ.કે.મોદી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા
નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૨.૮૫ મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોર ૧ = ૦૦ કલાકે વધુ ૮ ગેટ મળી કુલ – ૨૩ ગેટ ૨.૨ મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૩.૯૫ લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ૩૬૮૪૭૫ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં ૨૩ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૩,૯૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૩,૫૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇન્ફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટ ફ્લો છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે. ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવા અને જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ૨૪ કલાક કાર્યરત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત ૨૮ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે, વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવી. રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આમ, વરસાદની પરિસ્થિતિમાં કંઈપણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કન્ટ્રોલ રૂમના નંબર – ૦૨૬૪૦ – ૨૨૪૦૦૧ પર સંપર્ક કરવા જણાવાયું છે
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડિયાપડા