ભાજપના બંગાળ બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. ભાજપનાના એક નેતાએ દાવો કર્યો છે કે TMC કાર્યકર્તાઓએ તેમની કાર પર સામેથી ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઉત્તર 24 પરગણાના ભાટપારા વિસ્તારમાં બની હતી. ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર વીડિયો શેર કર્યો છે.પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે ફાયરિંગ હત્યાનો પ્રયાસ હતો અને કુલ 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી. ભાજપ નેતા પ્રિયંગુ પાંડેએ કહ્યું કે શાસક પક્ષ સાથે જોડાયેલા લોકોએ આ હુમલો કર્યો છે. તેમની કારની વિન્ડશિલ્ડમાં દેખાતા ગોળીઓના નિશાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર દેખાવો કર્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.