Satya Tv News

આંધ્રપ્રદેશની એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં હિડન કેમેરા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એક વિદ્યાર્થિનીની નજર પડતાંતેણે તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાંથી રેકોર્ડ કરાયેલા કેટલાક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં પણ શેર કરવામાં આવ્યાની ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ વિરોધ કરવા લાગી હતી.  

મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં છુપો કેમેરા લગાવવામાં આવ્યો હતો. આ માહિતી સામે આવતાં જ અહી હલચલ મચી ગઈ હતી. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ બધા કોલેજ કેમ્પસમાં એકઠા થઈને વિરોધ કરવા લાગ્યા હતા.

એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પ્રાઈવસીનો ભંગ કરનારા અને વિડિયો ફૂટેજ શેર કરનારા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલાની તપાસ કરીને એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે. ગુડલાવલેરુ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાં બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. 

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું છે કે, તેઓ આ સમગ્ર મામલાની તપાસ માટે અધિકારીઓને સહકાર આપી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલની તપાસ કરવામાં આવી ત્યારે કોઈ છુપાયેલો કેમેરા મળ્યો નહોતો. પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. પરંતુ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

error: