
આજના આધુનિક સમયમાં પણ સાસરિયાનો ત્રાસ પરિણીતા પર એ જ પ્રમાણે થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોલીસ કર્મચારી સતત પરેશાન હતી અને તેણે હવે સામે આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા કર્મચારી પર શંકા કરીને તેનો પતિ અને સાસરિયા પરેશાન કરતા હતા. એટલું જ નહીં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેવા સુધીની ધમકી પણ આપવામાં આવતી હતી. સતત માનસિક ત્રાસના કારણે પરિણીતાએ છેલ્લે હવે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું અને આ અંગે તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં રહેતી વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી પરિણીતા પર પતિએ શંકા રાખીને ત્રાસ આપીને ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો. મારા પિતા એસીબીમાં છે, તેને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપતો હતો. આટલું જ નહિ સાસુ અને સસરા પણ ત્રાસ આપતા હતા. તેમજ એસીબીમાં ફરજ બજાવતા સસરાએ પોલીસ અધિકારીઓ મારા મિત્ર છે, તેને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકીઓ આપીને હેરાન કરતા હતા. કંટાળીને પરિણીતાએ પતિ, સસરા અને સાસુ સામે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા સોનાબેન (નામો બદલેલ છે) મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેમના લગ્ન વર્ષ 2021માં ધનસુરાના મનસુખ સાથે થયા હતા. લગ્ન બાદ સોનાબેન સંયુક્તમાં સાસરીમાં રહેવા ગયા હતા. તેમના સસરા સુરેશભાઈ શાહીબાગ એસીબી કચેરીમાં ફરજ બજાવતા હતા. જ્યારે સાસુ રૂપાબેન પરિણીતાને લગ્નને બે વર્ષ થયા તેમ છતાં છોકરા થતા નથી. તેમજ તારા પિતાએ કરિયાવરમાં કશું આપ્યું નથી કહીને બિભત્સ ગાળો બોલીને ટોર્ચર કરતા હતા.
જેથી પરિણીતાએ પતિને જણાવ્યું કે, તેના માતા-પિતાનું ઉપરાણું લઈને નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. તેમજ પતિ પોલીસ સ્ટેશન જઈને મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાળો બોલતો હતો. આટલું જ નહિ પત્ની પર શંકા રાખીને ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. બાદમાં પરિણીતાની બદલી થતા તેઓ બાયડમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેવા લાગ્યા હતા. જ્યારે ત્યાં પતિ તેના ધર્મના બનાવેલ બહેનને ત્યાં બોલાવીને તેમની સાથે પત્નીને મૂકીને માતા-પિતા સાથે જતો રહ્યો હતો. જ્યારે ધર્મની બહેન પણ જતી રહેતા પરિણીતા એકલા રહેતા હતા. જે બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલની બદલી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
જે બાદ સગા-સંબંધીઓએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. જ્યારે આવું છ થી સાત વખત પતિ સહિત સાસરિયાઓએ કરીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ સાસુ-સસરાએ આવીને કહ્યું કે, મારો પુત્ર નોકરી નહિ કરે, તારે જ ખવડાવવું પડશે. બાદમાં પતિએ પણ કારની માગણી કરીને એટીએમ કાર્ડ લઈ લીધું હતું. તેમજ મારા પિતા એસીબીમાં નોકરી કરે છે તેને સસ્પેન્ડ કરાવી દઇશ અને જાતે મરવાની કોશિશ કરીને તને નોકરીમાંથી કઢાવી દઇશ તેવી ધમકી આપી હતી. આટલું જ નહિ સસરાએ પણ પોલીસ અધિકારીઓ મિત્ર છે તેને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકીઓ આપી હતી. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.