પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકારે બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું છે. બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલા બળાત્કાર વિરોધી બિલ હેઠળ દોષિતોને દસ દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ છે. આ સાથે પ્રાથમિક તપાસ અહેવાલ 21 દિવસમાં રજૂ કરવાની, જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવાની અને નિર્ધારિત સમયમાં સુનાવણી પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, કોલકાતાની આરજી કાર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને હોબાળો ચાલુ છે. કોલકાતા પોલીસ હેડક્વાર્ટરની સામે જુનિયર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીડિત તબીબ માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે બંગાળ વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકાર બળાત્કાર વિરોધી બિલ રજૂ કરીને દેશભરમાં સખત દાખલો બેસાડ્યો છે.
મમતા બેનર્જીએ ગત અઠવાડિયે જ કહ્યું હતું કે અમે પીડિતાને ન્યાય અપાવવા માટે વિધાનસભા સત્ર બોલાવીને નવો કાયદો તૈયાર કરીશું. આ કાયદા હેઠળ બળાત્કારના દોષિતોને 10 દિવસની અંદર મૃત્યુદંડ સુનિશ્ચિત કરવાની જોગવાઈ છે. તેનું નામ અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 છે.
મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વિધાનસભામાં મમતાના આ પગલાનું સમર્થન કરશે. ભાજપનું કહેવું છે કે તેની પાર્ટી પશ્ચિમ બંગાળ સરકારના બળાત્કાર વિરુદ્ધના બિલને સમર્થન આપશે.