ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હાલ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે.સરદાર સરોવર ડેમમાંથી અંદાજે અઢી લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમમાંથી છોડવામાં આવેલું પાણી નદીમાં આવતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, અને હાલમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી 20.40 ફૂટે વહી રહી છે. ત્યારે નર્મદા નદીના કિનારાના ગામોમાંથી લોકોની સલામતી માટે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીમાં જળસ્તર વધતા પૂરની સંભાવના વચ્ચે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભરૂચના હાંસોટમાં વરસાદે વિરામ તો લીધો છે પણ છતાં નાગરિકોની મુશ્કેલી યથાવત છે. કીમ નદીના પાણી અહીંના ગામોમાં ફરી વળતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ભરૂચના હાંસોટ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આસરમાં ગામેથી 52 અને પાંજરોલી ગામેથી 114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જયારે કીમ નદીના પાણી બંને ગામમાં ફરી વળતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાલિયામાં 16 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેને લીધે વાલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયું હતું. અહીંના ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા અને રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. નદીના પાણી ફરી વળતા 20 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. જયારે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા.