કર્ણાટકના યાદગીર જિલ્લામાં સ્થિત શાહપુરની એક ખાનગી શાળાની આ ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ- 10ના વિદ્યાર્થી ચેતનની તબિયત અચાનક બગડી હતી. તેથી ચેતને વર્ગ શિક્ષકને ઘરે જવા વિનંતી કરી. શિક્ષકે ચેતનને ઠપકો આપીને સીટ પર બેસાડ્યો. ચેતનની બગડતી હાલત જોઈને તેની બહેને તેના માતા-પિતાને બોલાવવાની ભલામણ કરી હતી.પરંતુ શિક્ષકે તેની પણ વાત ન સાંભળી. થોડી વારમાં ચેતનનું મૃત્યુ થયું. ચેતનના મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ચેતન ઘણા દિવસોથી બીમાર હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે ચેતનની શાળામાં પરીક્ષા હતી. ચેતન પરીક્ષા આપવા શાળાએ ગયો હતો પરંતૂ ત્યાં તેની તબિયત બગડવા લાગી અને તેને ઉલ્ટી થવા લાગી. જે બાદ ચેતનને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. ચેતને શિક્ષક પાસે ઘરે જવાની પરવાનગી માંગી હતી પરંતુ શિક્ષકે તેને ઠપકો આપીને બેસાડી રાખ્યો હતો.
શાળામાં ચેતનની ખરાબ હાલત બહેનથી જોવાઇ નહી. પછી તેણે શિક્ષકને માતા-પિતાને બોલાવવા કહ્યું હતુ. પરંતુ શિક્ષકે બહેનને પણ ઠપકો આપ્યો હતો. ક્લાસમાં બેઠેલા ચેતનનું દર્દ એટલું વધી ગયું કે તેનું મૃત્યુ થઇ ગયુ. આ સાંભળીને માતા-પિતા પણ રડવા લાગ્યા. તેમણે પુત્રના મોત માટે શિક્ષકની બેદરકારીને જવાબદાર ગણાવી હતી.
આ ઘટના અંગે માતા-પિતાનું કહેવું છે કે શિક્ષકના કારણે તેમના પુત્રનું મોત થયું છે, તેથી શિક્ષક સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો કે, પોલીસે કેસ નોંધ્યો છે. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.