આ કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી સામે આવ્યો છે આને મળતી માહિતી મુજબ આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ છે, જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફર્યો હતો. હાલ દર્દીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ બીમારીના લક્ષણો નજરમાં આવ્યા બાદ તેમને તરત જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ એક યુવક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. હરિયાણાના હિસારના 26 વર્ષીય યુવકને ટેસ્ટિંગ બાદ મંકીપોક્સ ક્લેડ 2થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ક્લેડ 1 થી સંપૂર્ણપણે અલગ કેસ હતો. આ યુવક પશ્ચિમ આફ્રિકાના દેશમાંથી પરત આવ્યો હતો.
આ વાયરસના સંક્રમણ પછી, પ્રારંભિક લક્ષણ તાવ છે. આ પછી, માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. તાવ ઓછો થયા પછી, શરીર પર ફોલ્લીઓ દેખાય છે, જે ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવી શકે છે, દુખાવો થઈ શકે છે. સંક્રમણ સામાન્ય રીતે જાતે જ ઠીક થઈ જાય અને 14 થી 21 દિવસની વચ્ચે રહે છે. ગંભીર કિસ્સાઓમાં, ઘા આખા શરીર પર થઈ જાય છે, જે મોં, આંખો અને ગુપ્તાંગો પર થાય છે.