મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવા મુદ્દે રાજકીય હોબાળા બાદ હવે રાજ્ય સરકારે નવી પ્રતિમા બનાવવાનું ટેન્ડર જારી કરી દીધું છે. જાહેર બાંધકામ વિભાગના કાનકાવલી ડિવિઝને ટેન્ડર જારી કર્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે પ્રતિમા બનાવવા માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તમને જણાવી દઈએ કે, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યા બાદ વડાપ્રધાન મોદીએ પણ માફી માગી હતી.
કાનકાવલીમાં PWDના એક્ઝ્યુકેટિવ એન્જિનિયર અજય કુમારે જણાવ્યું કે, હવે અમે ખૂબ જ સાવધાન રહીશું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર નવી પ્રતિમા બનાવવામાં આવશે. અગાઉની પ્રતિમા 33 ફૂટની હતી. બીજી તરફ હવે 60 ફૂટની પ્રતિમા બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, જે પણ કંપનીને ટેન્ડર મળશે તેણે ઓછામાં ઓછા 100 વર્ષની ગેરેન્ટી આપવી પડશે. આ ઉપરાંત કંપનીએ 10 વર્ષ સુધી તેની દેખરેખ પણ કરવી પડશે. આ સાથે જ એ પણ શરત રાખવામાં આવી છે કે 6 મહિનામાં પ્રતિમાનું બાંધકામ થઈ જવું જોઈએ.