Satya Tv News

ઉન્નાવ : ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનમાંથી બે સુરક્ષા જવાનોને નીચે ફેંકી દેવાના આરોપી ઝાહિદ ઉર્ફે સોનુનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું છે. જવાનો સાથે મારપીટ બાદ ટ્રેન પરથી નીચે ફેંકવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સતત આરોપી ઝાહિદની શોધખોળમાં સક્રિય હતી, તેના નામે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઝાહિદને એસટીએફ અને નોઇડા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ઘેરી લેવાયો હતો, આ દરમિયાન એન્કાઉન્ટરમાં તેનું મોત નિપજ્યું હતું.  

પોલીસના જણાવ્યા મુજબ સોમવારની મોડી રાત્રે દિલદારનગર જમાનિયાં વિસ્તારમાં તસ્કરીની ફિરાકમાં ફરી રહેલો બદમાશ ઝાહિદ ઝડપાયો હતો, જોકે પોલીસ પકડવા આવી હોવાની જાણ થઇ જતા ઝાહિદે પોલીસ પર ગોળીબાર કરી દીધો હતો જેમાં બે કોન્સ્ટેબલ ઘવાયા હતા. બાદમાં પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને કારણે ઝાહિદને ગોળી વાગી હતી. બાદમાં ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરપીએફના કોન્સ્ટેબલ ઝાવેદ ખાન અને પ્રમોદ કુમાર દારુની ગેરકાયદે તસ્કરી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

જે દરમિયાન બદમાશોએ બન્ને જવાનો સાથે મારપીટ કરી અને ચાલતી ટ્રેન પરથી નીચે ફેંકી દીધા હતા. જેને કારણે બન્ને પોલીસકર્મીઓનું મોત નિપજ્યું હતું. જવાનો બાડમેર એક્સપ્રેસથી મોકામો ટ્રેનિંગ સેન્ટર જઇ રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસ બિહારના પટનાના રહેવાસી ઝાહિદની શોધખોળમાં લાગી હતી, અંતે તે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. ઝાહિદ સામે અપહરણ, મારપીટ અને દારુની તસ્કરીના અનેક કેસો દાખલ છે. તે ઘણા સમયથી ફરાર હતો. આ પહેલા સોમવારે સવારે ઉન્નાવમાં અનુજ પ્રતાપસિંહ અને રાત્રે ગાઝીપુરમાં મોહમ્મદ ઝાહિદના એન્કાઉન્ટર બાદ મંગળવારે કુશીનગરમાં  બે આરોપીઓના એન્કાઉન્ટરનો પ્રયાસ થયો હતો, જોકે આરોપીઓને પગમાં ગોળી વાગતા બચી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બન્ને ચોરીની એક ગેંગ સાથે સંકળાયેલા છે. અને તેમના પર ૨૫-૨૫ હજારનું ઇનામ જાહેર કરાયું હતું.

error: