લખનઉ : ઉત્તર પ્રદેશમાં તમામ રેસ્ટોરન્ટ, ઢાબા કે હોટેલ પર હવેથી તેના સંચાલકો કે મૂળ માલિકના નામ જાહેરમાં લોકોને દેખાય તે રીતે લખવા ફરજિયાત કરી દેવાયું છે. આ ઉપરાંત જો કોઇ પણ વસ્તુમાં ભેળશેળ સામે આવી તો માલિકો કે સંચાલકો સામે આકરા પગલા લેવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મંગળવારે બેઠક યોજાઇ હતી જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તાજેતરમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુમાં વપરાયેલા ઘીમાં પશુ ચરબીની ભેળસેળ થઇ હોવાનો મામલો ચર્ચામાં છે એવા સમયે યોગી સરકાર દ્વારા આ આદેશો જારી કરાયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યા હતા કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં તમામ ખાધ્ય સામગ્રી વેચાણવાળા સ્થળો જેમ કે રેસ્ટોરન્ટ, ઢાબા, સ્ટોલ, હોટેલ વગેરે સ્થળોએ રસોઇયો અને વેઇટર્સે કામ દરમિયાન માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેરવા ફરજિયાત રહેશે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફરજિયાત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. પ્રોપર્ટીના મૂળ માલિક, તેના સંચાલકો, મેનેજરે સ્પષ્ટ રીતે વંચાય તે રીતે પોતાના નામ બોર્ડમાં દર્શાવવાના રહેશે. આ સાથે જ સરનામુ પણ આપવાનું રહેશે.
યોગીએ કહ્યું હતું કે જ્યુસ, રોટી દાળ વગેરેમાં માનવ વેસ્ટની ભેળશેળ નહીં ચલાવી લઇએ, જે પણ વ્યક્તિ આવુ કરતા ઝડપાશે તેની સામે આકરી કાર્યવાહી કરાશે. રોડ સાઇડ નાનો ઢાબો હોય કે મોટી હોટેલ તમામ કર્મચારીઓ અને સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું પણ ફરજિયાત રહેશે. ફૂડ સેફ્ટી અને ડ્રગ્સ વિભાગ તેમજ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની સંયુક્ત ટીમ દ્વારા આ આદેશનો યોગ્ય રીતે અમલ કરાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકાર તમામ ફૂડ સ્ટોલ, રેસ્ટોરન્ટ કે હોટેલમાં વેચાતી વસ્તુની ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ જળવાઇ રહે તે માટે ફૂડ સેફ્ટી અને સ્ટાર્ડર્ડ કાયદામાં સુધારો કરવાનું પણ વિચારી રહી છે.