
અમેરિકામાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. તાજેતરનો કેસ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટની દક્ષિણે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. ઉપદ્રવીઓએ ‘હિન્દુ ગો બેક’ લખ્યું હતું. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા હતા.આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. આ રીતે અમેરિકામાં ‘હિંદુમિશિયા’ વધી રહ્યો છે. ‘હિંદુમિશિયા’એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિંદુઓ પ્રત્યે દ્વેષને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને ‘હિન્દુફોબિયા’ પણ કહી શકાય.