Satya Tv News

સુપ્રીમ કોર્ટે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદી લાડવામાં ભેળસેળયુક્ત ઘી હોવાનો જાહેરમાં દાવો કરનાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (CM Chandrababu Naidu)ની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે ભેળસેળના પુરાવા માંગીને મુખ્યમંત્રીને પૂછ્યું કે, ‘લાડવામાં ભેળસેળ યુક્ત ઘીનો ઉપયોગ થયો હોવાનું તમે કયા આધારે કહ્યું?’ કોર્ટે કહ્યું કે, પ્રથમદ્રષ્ટિએ હજુ સુધી લાડવામાં કોઈપણ પ્રકારના ભેળસેળના પુરાવા નથી.

સુપ્રીમ કોર્ટે નાયડુના દાવા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘બંધારણના પદ પર બેઠેલા લોકો પાસે જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે કોઈપણ ખાતરી કર્યા વગર જાહેરમાં આવું નિવેદન ન આપવું જોઈએ. તેમના આવા નિવેદનને કારણે કરોડો લોકોની ભાવનાઓને ઠેર પહોંચે છે.’

.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેંચે આંધ્રપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને મુકુલ રોહતગીને એમ પણ કહ્યું કે, ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નિવેદન મુદ્દે કડક શબ્દો ઉચ્ચાર્યા બાદ આગામી સુનાવણી ત્રીજી ઓક્ટોબરે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

નાયડુએ 18 ડિસેમ્બરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, અગાઉની જગન મોહન રેડ્ડી સરકારના કાર્યકાળ વખતે પ્રસાદી લાડવામાં પશુના ચરબીની ભેળસેળનો ઉપયોગ થયો છે. તેમણે ઘીમાં ભેળસેળ હોવાના તપાસનો રિપોર્ટ પણ જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના નિવેદન બાદ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદી લાડવામાં ભેળસેળ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામી સહિત કુલ પાંચ અરજીઓ દાખલ થઈ છે. આ અરજીઓમાં કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તાસની માંગ કરવામાં આવી છે. બીજીતરફ મંદિર બોર્ડે નિવેદન આપ્યું છે કે, ભેળસેળીયા ઘીનો ઉપયોગ લાડવામાં ઉપયોગ કરાયો નથી. 

કોર્ટે કહ્યું કે, તમે મામલાની તપાસના આદેશ આપ્યા છે, જો તપાસ ચાલી રહી છે તો તપાસ પૂર્ણ થાય તે પહેલા તમારે મીડિયામાં નિવેદન આપવાની શું જરૂર હતી. ઈરાદા પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે, ઘી ભેળસેળનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો તો 18 સપ્ટેમ્બરે નિવેદન કેમ અપાયું? મુખ્યમંત્રીએ નિવેદન પહેલા આપી દીધું અને એફઆઈઆર 25 સપ્ટેમ્બરે નોંધાઈ હતી અને તપાસ માટે 26 સપ્ટેમ્બરે SITની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે, અહીં આસ્થાનો પ્રશ્ન છે અને જો ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરાયો હોય તો તે અસ્વીકાર્ય છે. આ મામલે તપાસ કરવાની જરૂર છે.

error: