
યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં અંબાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. માતાજીની એક ઝલક માટે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. દ્વાર ખુલતા માતાજીનાં દર્શન કરવા ભક્તો દોડ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણહારવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.
પાવાગઢમાં માઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા. ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયું હતું. નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનવ મહેરામણ જોઈ શકાતો હતો. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી છે અને દરરોજ ત્રણ પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ-રાત થઈ રહી છે. એક જ દિવસની અંદર પ્રસાદના 35 થી 40 હજાર પેકેટ બની રહ્યાં છે.