Satya Tv News

એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. ગેંગ સાથે સંકળાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ગેંગે મે 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની અને ડિસેમ્બર 2023માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની પણ ગોળી મારી હત્યા કરી હતી. આ સિવાય પણ અન્ય ઘટનાઓમાં બિશ્નોઈ ગેંગની સંડોવણીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

12મી ઓગસ્ટ શનિવારે રાત્રે એનસીપી નેતા બાબા સિદ્દીકી મુંબઈના બાંદ્રા સ્થિત પોતાની ઓફિસમાં બેઠા હતા. લોકો બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડાના અવાજ વચ્ચે રાત્રે લગભગ 9 વાગ્યે બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો. મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો અચાનક કારમાંથી નીચે ઉતર્યા અને એક પછી એક છ રાઉન્ડ ફાયરિંગ કરી દીધુ હતું. તેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દીકીને વાગી હતી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા. તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રીજા વ્યક્તિની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. બાદમાં તેને ડિલીટ કરી નાખવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ હત્યાનું કારણ અભિનેતા સલમાન ખાનને જવાબદાર ગણવામાં આવ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત ગેંગસ્ટર છે. તેની ગેંગ ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સક્રિય છે. આ ગેંગની પ્રવૃતિઓ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી, ખંડણી, સોપારી હત્યા અને અન્ય સંગઠિત ગુનાઓ સાથે સંબંધિત છે. બિશ્નોઈ ગેંગ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને અન્ય અગ્રણી વ્યક્તિઓ પાસેથી ખંડણી માટે કુખ્યાત છે. આ ગેંગના સભ્યોએ અનેક બિઝનેસમેન અને સેલિબ્રિટીને વારંવાર ધમકી આપી છે. આ ગેંગનું નામ અનેક હત્યાઓ અને હત્યાના પ્રયાસોમાં સામે આવ્યું છે. બિશ્નોઈ ગેંગની પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ડ્રગ્સની દાણચોરીમાં મોટી ભૂમિકા છે.આ ગેંગનું નેટવર્ક ભારતની બહાર ખાસ કરીને કેનેડા જેવા દેશોમાં પણ ફેલાયેલું છે. વિવિધ રાજ્યોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઘણા મામલામાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહી છે.

error: