Satya Tv News

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે ₹481 કરોડ છે, જ્યારે રેલવેનું યોગદાન ₹996 કરોડથી વધુ છે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO), ભારતીય રેલવે અને ગુજરાત સરકારના સહયોગથી રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પુનઃવિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સ્ટેશન બિલ્ડિંગનું વિસ્તરણ, પ્લેટફોર્મ અપગ્રેડેશન, મુસાફરોની સુવિધાઓમાં સુધારો અને સ્ટેશન સંકુલનું બ્યુટિફિકેશન સામેલ છે.

ફરીથી રિનોવેશન કરવામાં આવતા સુરત સ્ટેશનમાં વિશ્વ કક્ષાની મુસાફરોની સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેમાં 10,900 ચોરસ મીટરમાં ફેલાયેલ વિશાળ ઓડિટોરિયમ, લાઉન્જ, છૂટક દુકાનો અને સ્કાયવોક સામેલ હશે. ભીડને નિયંત્રિત કરવા માટે પ્લેટફોર્મની ઉપર વધારાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર હશે અને તે દિવ્યાંગજન મુસાફરો માટે સંપૂર્ણ રીતે સુલભ હશે. સ્ટેશનને પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપશે અને ઊર્જા, પાણી અને અન્ય સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરશે.

સુરત સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની પૂર્વ બાજુએ, આરપીએફ બેરેક, હોસ્પિટલ અને રનિંગ રૂમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં ભીડનું વધુ સારું સંચાલન કરવા માટે બિલ્ડિંગની પશ્ચિમ બાજુએ એક નવો પેસેન્જર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીકલ ઈન્ટરલોકીંગ (EI) બિલ્ડીંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને ફીડર લાઈન ખસેડવામાં આવી છે. GSRTC બિલ્ડિંગના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં 50% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુનું કામ પ્રગતિમાં છે, જેમાં રાફ્ટ ફાઉન્ડેશનનું કામ 100% પૂર્ણ થયું છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના કોનકોર્સ અને પશ્ચિમ ભાગનું કામ પણ ચાલી રહ્યું છે.સુરત રેલ્વે સ્ટેશન રિનોવેશન પછી એક આધુનિક, પેસેન્જર-કેન્દ્રિત સુવિધા તરીકે ઉભરી આવશે, જે શહેરની ઝડપથી વધતી વસ્તીની જરૂરિયાતોને પૂરી કરશે.

error: