સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈની વર્લી પોલીસે એકની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા એક યુવકે સલમાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી. 5 કરોડની ખંડણી માંગી હતી. હવે તે યુવકની જમશેદપુરથી અટકાયત કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ શાકભાજી વેચવાનું કામ કરે છે. તેણે તાજેતરમાં ટીવી પર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતા સમાચાર જોયા હતા. આ પછી તેને પણ ખંડણીની માંગ કરવાનો વિચાર આવ્યો. વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો અને પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો.પકડાયેલ વ્યક્તિનું નામ શેખ છે અને તેની ઉંમર 24 વર્ષ છે. શેખે પોલીસને આપેલી માહિતી મુજબ, તે પહેલા શાકભાજી વેચતો હતો, પરંતુ હાલમાં તે કંઈ કરતો નથી. મેસેજ કર્યા પછી શેખે માફી માંગતો મેસેજ મોકલ્યો. મેસેજ મોકલનારનું કહેવું હતું કે તેણે આ મેસેજ ભૂલથી મોકલ્યો હતો અને તેના માટે તે દિલગીર છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી ધમકી અને NCP નેતા બાબા સિદ્દીકીના મોતને પગલે સલમાન ખાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. અભિનેતાને Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. પરંતુ પોતાના જીવને ખતરો હોવા છતાં પણ સલમાન પોતાના કામના કમિટમેન્ટ પૂરા કરી રહ્યો છે. સલમાન ખાને હાલમાં જ બિગ બોસ 18ના વીકેન્ડ વોરનું શૂટિંગ કર્યું હતું. સેટ પર સલમાને કહ્યું કે કામ તો કરવું જ પડે છે, કમિટમેન્ટ્સ પૂરા કરવા જરૂરી છે. આ સિવાય તે પોતાની ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.