કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરી છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, ‘ખાલિસ્તાની આતંકીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘મને લાગે છે કે આ અહેવાલોમાં થોડું સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત, ખાલિસ્તાનીઓએ પણ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લઈ રહ્યા છે અને આ બધું કરવા માટે તેમને મફત પાસ મળી રહ્યા છે.’
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું-બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીલ રીજનલ પોલીસ વડા નિશાન દુરૈપ્પાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.