કેનેડાનાબ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સીબીસી એ પીલ પ્રાદેશિક પોલીસ અધિકારીઓને ટાંકીને તેના અહેવાલમાં આ દાવો કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. સોહી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે તૈનાત છે.પીલ પ્રાદેશિક પોલીસે કહ્યું કે અમે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડિયોની નોંધ લીધી છે જેમાં એક ઑફ-ડ્યુટી પોલીસકર્મી હિન્દુ સભા મંદિરની બહાર પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લેતો જોવા મળ્યો હતો.
પીલ પોલીસના મીડિયા રિલેશનશિપ ઓફિસર રિચર્ડ ચિને CBCને જણાવ્યું હતું કે, “આ પોલીસકર્મીને સામુદાયિક સુરક્ષા અને પોલીસિંગ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે વિભાગ આ ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યું છે અને તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરશે.