અમદાવાદમાં ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલઃ આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા કમાવવાની લ્હાયમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીર સાથે ચેડા કરીને તેમના જીવ લીધાં છે.સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સર્જન ડૉ.સંજય પટોલિયા, ડિરેક્ટર ચિરાગ રાજપૂત, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.