કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર તોડી પાડવાનું કાવતરૂ રચવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપે કર્ણાટક સરકારને હટાવવા માટે 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ ઘટનાને લઇને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.ડીકે શિવકુમારે કહ્યું કે, ‘અમે મુખ્યમંત્રી સાથે વાત કરીશું અને પછી મીડિયા પાસે આવીશું.’કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપની ઓફરનો કોંગ્રેસના કોઇ પણ ધારાસભ્યએ સ્વીકાર કર્યો નથી. તે બાદ ભાજપ હવે તેમના વિરૂદ્ધ ખોટા કેસ કરી રહી છે.કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપે 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી છે, તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? શું પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, બસવરાજ બોમ્મઇ, વિપક્ષના નેતા આર અશોક, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી વાઇ વિજયેન્દ્રએ પૈસા છાપ્યા છે?
સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ બધા લાંચના પૈસા છે. આ પૈસાનો ઉપયોગ કરીને તે દરેક ધારાસભ્યને 50 કરોડ રૂપિયાની ઓફર કરી છે. કોઇ પણ રીતે ભાજપે સરકાર હટાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. ધારાસભ્યો પર ખોટા કેસ કરી રહ્યાં છે અને તેમને પરેશાન કરી રહ્યાં છે.