વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે તસ્કરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દીવાલમાં લગાવેલી તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલા રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય લાગી રહ્યું છે.વાગરાના ચીમન ચોકમાં સરકારી પોસ્ટ ઓફીસ આવેલી છે.પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા.ગત રોજ દેવદિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ શનિવારે સવારના સાત વાગ્યા અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી પોસ્ટ માસ્ટરને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતા પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પોસ્ટ માસ્ટરે તેના ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમે વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે.તેમજ ચોરો દ્વારા કરાયેલા નુક્સાનીનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.