
કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલા તાલુકામાં સ્થિત કબિનાલે ગામમાં સોમવારે રાત્રે એન્ટી-નક્સલ ફોર્સ (ANF) અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું, જ્યારે નક્સલીઓ અને ANF ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો. નક્સલી યુનિટની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ ANF ટીમે આ ઓપરેશનને તેજ બનાવ્યું હતું.
સોમવારે રાત્રે પાંચ નક્સલવાદીઓનું એક જૂથ કબિનાલે ગામમાં કરિયાણાની ખરીદી કરવા ઘૂસ્યું હતું. ગામમાં પ્રવેશતાની સાથે જ તેમની ANF ટીમ સાથે એન્કાઉન્ટર થઈ ગયું. ગોળીબાર દરમિયાન નક્સલવાદી નેતા વિક્રમ ગૌડાનું મોત થયું હતું, જ્યારે બાકીના નક્સલવાદીઓ ભાગવામાં સફળ થયા હતા. આ એન્કાઉન્ટર બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે, જેથી નક્સલવાદીઓના અન્ય જૂથો સક્રિય થવાની શક્યતાને અટકાવી શકાય.