અમેરિકામાં હાલના સમયમાં E.coli વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેના કારણે ઓર્ગેનિક ગાજર અને બેબી ગાજરોને અમેરિકાના સ્ટોરમાંથી પરત મંગાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય જીવલેણ વાયરસને લઈને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં પણ E.coli વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાધા પછી ડઝનેક લોકો E.coli વાયરસથી સંક્રમિત થયા હતા.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રવિવારે (17 નવેમ્બર) ગ્રીમવે ફાર્મ્સ દ્વારા મોટા સુપરમાર્કેટમાં વેચવામાં આવતા ગાજર અંગે ચેતવણી જાહેર કરી હતી. સીડીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમેરિકાના 18 રાજ્યોમાં અત્યાર સુધીમાં ગાજર સંબંધિત E.coliના સંક્રમણના 39 કેસ નોંધાયા છે.’ ત્યારથી, સીડીસીએ લોકોને ગાજર ન ખાવાની ચેતવણી આપી છે. સીડીસીએ કહ્યું કે ‘અસરગ્રસ્ત ગાજર હવે યુએસ સ્ટોર્સમાં ઉપલબ્ધ નથી, પરંતુ લોકોના ઘરોમાં હોઈ શકે છે. જેને પહેલા ફેંકી દેવા જોઈએ.’
સીડીસી અનુસાર, એસ્ચેરીચિયા કોલી (E.coli) એ બેક્ટેરિયાના કારણે સંક્રમણ ફેલાય છે. તેના મોટાભાગના રૂપો મનુષ્યો અને પ્રાણીઓના આંતરડામાં રહે છે અને આ હાનિકારક હોતા નથી. પરંતુ કેટલાક ઇ. કોલી બેક્ટેરિયા છે એવા પણ છે જે જીવલેણ બની શકે છે. આ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રોગોનું જોખમ વધારી શકે છે. આ બેક્ટેરિયાના મુખ્ય લક્ષણોમાં ડિહાઇડ્રેશન, લોહિયાળ ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે.