
કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે. પાકિસ્તાનમાં 147 વર્ષ પહેલા કાલુપુર સંપ્રદાય દ્વારા સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1947 માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભગવાન સ્વામીનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામ ખાતે સ્થાપિત કરાઈ હતી. જ્યારે કે, અન્ય એક મૂર્તિ કરાંચીના મંદિરમાં જ રાખવામા આવી છે. આજે પણ આ મંદિરમાં મૂર્તિ સચવાયેલી છે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયો બાદ લીઝ રિન્યુ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ મંદિર સિંધી હરિભક્તો દ્વારા સાચવવામાં આવે છે. કરાંચીના સિંધ પ્રદેશના લોકો તેની જાળવણી કરે છે. મંદિરને અંદાજે દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયાનું દાન આવે છે. આ દાનનો ઉપયોગ મંદિર માટે જ થાય છે. વર્ષ 1979 બાદથી ભારતથી કોઈ સ્વામીનારાયણ સંત ત્યાં ગયા નથી. હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધાસ્વામીની મૂર્તિ છે, જેની રોજ પૂજા કરાય છે. આ મંદિરમાં તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.