આવતીકાલે વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્વિટ થયા છે. ગુજરાતના રાજકારણમાં જેમના માટે ભૂતપૂર્વ લખાય છે તેવા શંકરસિંહ વાધેલા અને ભરતસિંહ સોલંકી રિ-એન્ટ્રી કરી રહ્યાં છે. જે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત આપી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા માટે કહીએ તો તેઓ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત થયા નથી તેવું કહી શકાય. તેઓ રાજકારણના લાંબી રેસના ઘોડા છે. ત્યારે તેમણે પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે. આ માટે ચૂંટણી ચિન્હ ભાલો ફાળવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા તેમની અમિત શાહ સાથેની મુલાકાતે પણ રાજકીય ચર્ચા શરૂ કરી હતી.
મહિલાઓ સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ કન્ફર્મ ગણાતો હતો. તેઓ ગુજરાત અને કોંગ્રેસના રાજકારણથી લગભગ બે વર્ષથી રિટાયર્ડ જેવા રહ્યાં. જોકે, હવે તેમનો રાજકીય વનવાસ પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ કમબેક કરવાનો પ્લાન બનાવી દીધો છે, એ પણ મોટાપાયે. ભરતસિંહ સોલંકી 20 હજાર લોકો ભેગા કરશે. જોકે, ભરતસિંહ સોલંકની એન્ટ્રીથી કોંગ્રેસમાં ફરી ઊથલપાથલ થઈ શકે છે.ભરતસિંહ સોલંકી ખુદ એક કાર્યક્રમ કરીને કમબેક કરી રહ્યાં છે. આ કમબેક સાદગીભર્યું નહિ, પરંતું ભવ્ય હશે. આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા-ભાડજમાં બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મમાં બપોરે 4:30 વાગ્યે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.