અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોકસ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મૂકેશ સિંગ, યુપીના હરીનાથ યાદવ અને અશોક રામહુકમ વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈ પડ્યો હતો.
બનાવ અંગેની જાણ થતા જ અન્ય કામદારો કંપની પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માગ કરી હતી. બપોરે 12:30 વાગે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના પરિવારજનોને કંપની તરફથી રૂપિયા 30-30 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પણ કંપની ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. ત્યારે કંપની દ્વારા પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.