સુખબીરસિંહ બાદલ પર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર હુમલો કરવામાં આવ્યો છે. ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગની ઘટના બની છે. જોકે, સુખબીર સિંહ બાદલ બચી ગયા.હુમલાખોરને ગોળી ચલાવતા જ હાજર લોકોએ પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી છે. આરોપીનું નામ નારાયણ સિંહ છે. તે દલ ખાલસા સાથે જોડાયેલો છે.
પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરૂદ્વારાની બહાર ચોકીદારીની સજા કાપી રહ્યાં છે. તે મંગળવાર બપોરથી વ્હીલચેર પર ગુરૂદ્વારા પહોંચ્યા હતા, તેમના ગળામાં દોષી હોવાની તખ્તી પણ લટકેલી છે.શિખ સમાજની ‘સુપ્રીમ કોર્ટ’એટલે કે શ્રી અકાલ તખ્ત સાહિબે સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તે ગુરૂદ્વારામાં સેવા કરશે. વાસણ ધોશે અને ચોકીદારી પણ કરશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા સાર્વજનિક શૌચાલયની પણ સાફ સફાઇ કરશે. જત્થેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓ પર 2007થી લઇને 2017 સુધી અકાલી દલની સરકારના સમયે ધાર્મિક ભૂલ પર સજા સંભળાવી છે. તે સજાની ભરપાઇ અકાલી નેતા સેવા કરીને કરી રહ્યાં છે.