અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ માટે કોઈ જાણ કર્યા વગર આવ્યો હતો. થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા આતુર હતા. મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે થિયેટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જેના કારણે થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ભીડ ઓછી થયા બાદ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરે એક મહિલાને મૃત જાહેર કરી, જ્યારે ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. હવે આ મામલે પોલીસે એક્ટર અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર અને સુરક્ષા એજન્સી સામે કેસ નોંધ્યો છે.
પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને કલમ 105 (દોષિત હત્યા), 118(1) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) r/w 3(5) BNS હેઠળ કેસ નોંધ્યો છે. DCPએ વધુમાં જણાવ્યુ કે, થિયેટર મેનેજમેન્ટ અથવા એક્ટરની ટીમ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે થિયેટરમાં આવશે. થિયેટર મેનેજમેન્ટે ભીડને કાબૂમાં રાખવા માટે સુરક્ષા સંબંધિત વધુ વ્યવસ્થા કરી ન હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. સિનેમા હોલની અંદર અવ્યવસ્થિત સ્થિતિ ઉભી કરનાર જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.