બહારના વિસ્તારના દીપડાઓને અમારા વિસ્તારમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે તેઓ અવારનવાર અહીંના લોકો પર હુમલા કરે છે: ચૈતર વસાવા
ભોજન ન મળવાના કારણે દિપડાઓ માનવભક્ષી બની ગયા છે: ચૈતર વસાવા
હાલ વન વિભાગની ભૂલના કારણે પાંચ વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો: ચૈતર વસાવા
તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના મીતકુમાર નામના બાળક પર પર દિપડાએ હુમલો કર્યો હતો. તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. તેમની ઇજાઓ વિશે જાણ્યા બાદ અને તેમના હાલ ચાલ પૂછ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષની ઉંમરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતા અમે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. બાળકને ગળાના ભાગથી પકડીને દિપડાએ 70 થી 80 મીટર સુધી ઢસડી ગયો હતો, પરંતુ તેમના પિતાની સાહસના કારણે દીકરાની જિંદગી બચી, કારણકે તેમના પિતા દિપડા સામે લડ્યા અને પોતાના દીકરાને બચાવ્યો હતો.
અવારનવાર અમારા વિસ્તારોમાં આ રીતના દિપડાઓના હુમલા થાય છે તેમાં સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે. બહારના વિસ્તારમાં જેટલા પણ દીપડાઓ પકડાય છે તેમને રાતના સમયે આ વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે અને ખોરાક ન મળવાના કારણે આ દિપડાઓ માનવભક્ષી થઈ ગયા છે. અમે સરકારને વારંવાર કહી રહ્યા છીએ કે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે. કારણ કે હમણાંને હમણાં દીપડાઓએ અનેક હુમલાઓ કર્યા છે. આજે આ દીકરા પર હુમલો થયો છે પરંતુ વન વિભાગના કોઈ પણ કર્મચારી તેને જોવા આવ્યા નથી. ઘાયલ દીકરાને અને તેના પરિવારને સરકારી સહાય મળે તેવી અમારી માંગ છે. મુખ્ય માંગે એ જ છે કે વન વિભાગ ગમે તે કરીને દીપડાઓને કંટ્રોલ કરે. જો આપણે દીપડાને પથ્થર મારીએ કે એને હેરાન કરીએ તો આપણને સાત વર્ષની સજા થાય છે તો વન્ય પ્રાણીઓ માટે કાયદો છે પરંતુ માણસો માટે કેમ કાયદો નથી? માટે સરકારે આ મુદ્દા પર ચોક્કસ વિચારવું પડશે.
જ્યાં સુધી દીપડો પકડાઈ નહિ ત્યાં સુધી પિંજરા મૂકવાના હોય છે, નજર રાખવાની હોય છે અને દિપડો ક્યાં ફરી રહ્યો છે તેની તપાસ પણ વન વિભાગે કરવાની હોય છે, પરંતુ અત્યાર સુધી જેટલા દીપડાઓએ હુમલા કર્યા એમાંથી એક પણ દીપડાને વન વિભાગે પકડ્યો નથી. ચીનકુવા અને તિલકવાડાના ગામોમાં મહિલા મૃત્યુ પામ્યા હતા, ત્યારે મેં વન મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી. પહેલા દીપડાના હમલામાં ચાર લાખની સહાય હતી અને ગંભીર ઘાયલ થયા હોય તો 30,000ની સહાય હતી. હવે સરકારે બે તારીખે જાહેરાત કરી છે કે દીપડાના હુમલામાં કોઈનું મૃત્યુ થાય છે તો દસ લાખ આપવામાં આવશે અને ગંભીર રીતે ઇજાગ્રસ્તને બે લાખ આપવામાં આવશે અને સામાન્ય હુમલામાં 50,000 આપવામાં આવશે. પરંતુ મારું માનવું છે કે પાંચ-દસ લાખમાં કંઈ થતું નથી, માટે અમારી માંગ છે કે આ રકમને વધારવામાં આવે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા