દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા
જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજપીપલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – નર્મદા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી – નર્મદા અને બી.આર.સી.ભવન-ગરૂડેશ્વરના સંયુક્ત ઉપક્રમે તા.૧૦-૧૧ ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન બે દિવસીય ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિત વિભાગની મળીને કુલ બાવન કૃતિઓ રજીસ્ટ્રર થઈ હતી.
વિજ્ઞાન મેળાના પ્રથમ દિવસે દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાનાં હસ્તે જિલ્લા શિક્ષણ સમિતિની ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માગતાભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસ્ભ્યશ્રીએ ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે બાળકોને શિક્ષણ સાથે જીવનમાં સાયન્સ અને ટેક્નોલોજીના મહત્વ અંગે સમજ આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. ત્યારબાદ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળો’ વૈજ્ઞાનિક ઢબે ખુલ્લો મુકાયો હતો.
આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ કૃતિઓ તેમજ બેનર ચાર્ટ દ્વારા પ્રસ્તુત કરી હતી. જેમાં કુલ બાવન પ્રોજેક્ટ/ઇનોવેશન્સ રજૂ કર્યા હતા. બે દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં નિર્ણાયકોએ બધી કૃતિઓ નિહાળી અને શ્રેષ્ઠ નમુનાઓનું ચયન કરશે. આ પ્રદર્શનને જોવા અને જાણવાનો લાભ મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓને લેવા અને બાળ વૈજ્ઞાનિકોના અભિગમને પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાની કળાને ખીલવવા માટેની તક સાંપડે છે. વિજ્ઞાન મેળા દ્વારા જટિલ વિષય તેના નિયમો, સિદ્ધાંતોને રમતા રમતા સમજી, શીખી, જાણી અને માણી શકાય છે. કાર્યક્રમના અંતે બીજા દિવસે શાળાનાં પ્રયોગોને તથા ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને પ્રમાણપત્રથી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવશે.
જિલ્લા કક્ષાના બાળવિજ્ઞાન પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી એમ.જી.શેખ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવે, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નિલેષભાઈ વસાવા, જિલ્લા વિજ્ઞાન સલાહકાર ડો.રોબિન્સ ભગત, શિક્ષણ જગત સાથે સંકળાયેલા મહાનુભાવો, સ્થાનિક આગેવાનો, વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી ડેડીયાપાડા