દેશભરમાં લોન એપ એજન્ટોનો ત્રાસ વધી રહ્યો છે. આંધ્ર પ્રદેશમાં એજન્ટોએ લોન લેનારની પત્નીની મોર્ફ કરેલી તસવીર તેના મિત્રો અને પરિવારના સદસ્યોને મોકલતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
તેણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક લોન એપ પાસેથી રૂપિયા 2000ની લોન લીધી હતી. બે-ત્રણ અઠવાડિયા બાદ એપ એજન્ટોએ તેને લોનની ચૂકવણી માટે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તેને અનેક અપમાનજનક મેસેજ મોકલ્યા હતા. એજન્ટોએ નરેન્દ્રની પત્નીની મોર્ફ કરેલી તસવીર મૂકીને તેની ઉપર કિંમત લખી હતી. આ તસવીરને નરેન્દ્રના તમામ મિત્રો અને પરિવારના સદસ્યોને મોકલવામાં આવી હતી. જેઓ નરેન્દ્રના કોન્ટેક્ટ લિસ્ટમાં હતાં. આ તસવીર તેની પત્નીને મળતા તેમણે જેમ તેમ કરીને રકમ ચૂક્વવા નક્કી કર્યું હતું. પરંતુ, એજન્ટોએ મદદ કરી નહતી અને તેમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. નરેન્દ્રના ઓળખીતા તસવીરો વિશે પૂછવા લાગતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.