
ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો. જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. જ્યાં તબીબ ડો વિહાન સુખડીયાએ પ્રથમ તેમની પ્રાથમિક તપાસ કરીને દવાઓ આપી જો સારું ન થાય તો ફરી બતાવી જવા માટે જણાવ્યું હતું. નસીમ પટેલને દવાઓ લીધા બાદ પણ દુખાવામાં ફરક નહિ પડતા તેમના પતિ પુનઃ સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈને આવ્યાં હતા. જ્યાં તબીબે તેમને દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ તબીબે લોહીના રિપોર્ટ કરાવવા મોકલ્યા હતા અને એ આવે એ પહેલાં જ તેણે નસીમ પટેલની દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા. જોકે ઓપરેશન બાદ નસીમ પટેલની અચાનક હાલત ખરાબ થઈ જતાં તબીબે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું હતું. માત્ર દાઢના ઓપરેશનમાં તબિયત આટલી ખરાબ કેમ થઈ એમ પણ તબીબને સવાલો કર્યા હતાં. જોકે પરિવારજનોની હાજરીમાં તબીબ જાતે જ અને તેમની બે વ્યક્તિઓ સાથે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યાં હતાં, જ્યાં તેમણે નસીમ પટેલને દાખલ કરીને જતા રહ્યા હતા. જ્યાં મહિલાની વધુ હાલત બગડતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો પરિવારની મહિલાનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને સુરત ફોરેન્સિક પીએમ કરાવવા માટે મોકલી રિપોર્ટ આવ્યાં બાદ તેના કારણો જાણ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યું હતું.