
અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેનમાંથી પસાર થતી બસોનો પણ ટોલ કપાય છે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા માટે અલગથી લેન બનાવવામાં આવી છે પણ તેમાંથી અમારી બસો જાય છે તો પણ ટોલ કપાઇ જાય છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં અમારા ડ્રાઇવરો અને ટોલના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતું રહે છે. આજે અમે ચકકાજામ કરી વિરોધ કર્યો છે. ગુરૂવારે ટ્રાન્સપોર્ટરો અને તંત્ર વચ્ચે બેઠક છે તેમાં નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે.
અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પરથી પસાર થતી સ્થાનિક લકઝરી બસો પાસેથી એક ફેરાના 100 રૂા. ટોલ લેવા સામે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કર્યો છે. બુધવારના રોજ સવારના સમયે ટ્રાન્સપોર્ટરોએ 8 લેનમાં 8 લકઝરી બસ ઉભી કરી દેતાં વાહન વ્યવવહાર થંભી ગયો હતો. વડોદરા અને સુરત તરફ જતી લેનમાં 3 કીમી સુધી વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. દિલ્હી- મુંબઇને જોડતા નેશનલ હાઇવે પર પહેલાં ઝાડેશ્વર ચોકડી પાસે ટોલનાકુ હતું પણ તેના કારણે ટ્રાફિકજામ થતો હોવાથી ટોલનાકુ બંધ કરી દેવાયું હતું. નર્મદા નદીમાં નવા અને જુના સરદારબ્રિજ બાદ નવા કેબલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2017માં કેબલ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યાં બાદ મુલદ પાસે ટોલનાકુ બનાવવામાં આવ્યું હતું. કેબલ બ્રિજ ઉપરાંત નવા અને જૂના સરદારબ્રિજ પરથી પસાર થતાં વાહનો પાસેથી પણ ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી.