વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં 20 ડિસેમ્બરની મોડીરાત્રે એક કાર અચાનક જ પાણીમાં ખાબકી હોવાના મેસેજ મળતાં જ વડોદરા ફાયર અને ઇમર્જન્સી વિભાગની જીઆઇડીસી, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. એક યુવક કારમાં ફસાયેલો હોવાની માહિતી મળતાં ફાયર વિભાગની ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ કેતન પ્રજાપતિ નામના 23 વર્ષીય યુવકને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ઘટનામાં અન્ય કારસવાર યુવક નીરજ ચોસલાને સ્વિમિંગ આવડતું હોવાથી તેણે કારમાં ફસાયેલા યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ડૂબવા લાગતાં તે સ્વિમિંગ કરીને તળાવમાંથી બહાર નીકળી ગયો હતો.
આ ગંભીર અકસ્માતમાં તળાવમાં પડેલી ગાડી પ્રીતિબેન ચૌધરીના નામે છે અને આ આખી ઘટનામાં કુલ 6 મિત્ર કાફેમાં જમવા માટે ગયા હતા, જેમાંથી બે વ્યક્તિ ગાડીમાં હતી, જેમાં કેતન પ્રજાપતિ અને નીરજ ચોસલા બંને ગાડીમાં હતા, આ બંનેમાંથી કેતન પ્રજાપતિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ બાઈક ઉપર જતી હતી, જેમાં જય અજિતભાઈ ચૌધરી, ચિરાગ શાંતિલાલ વસૈયા, વિરલ પરમાર અને સમીરભાઈ ચોકસીનો સમાવેશ થાય છે. આ પૈકી વિરલ નીતિનભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી આ બધા મિત્રો બહાર જમવા ગયાં હોવાનું જાણવા મળ્યું છે.