આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મળતાં પોલીસે એ.ડી દાખલ કરી, વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. જેના પી.એમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 50,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 1500 મળીને કુલ રૂપિયા 51,500નો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલ.સી.બી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની આ બંને ટીમોએ અલગ-અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. તેમજ હ્યુમન-ટેક્નિકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં હતાં.આણંદ એલ.સી.બી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઈમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડની વિરસદ ખાતેથી અટકાયત કરી હતી. આ ઈમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં, તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ સાથે મળીને આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ મોડી સાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગ ઠાકોરભાઇ ચૌહાણને પણ અંધારિયા-મોગરી રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.