દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે અને 15 ફેબ્રુઆરીએ પરિણામ આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 11થી 13 ફેબ્રુઆરી વચ્ચે એકજ તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. 15 કે 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે અંતિમ ઓપ આપી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ 6 જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં નવી મતદાર યાદી પણ બહાર પાડશે. જો બધું સમયસર રહ્યું તો, દિલ્હીમાં નવી સરકારની રચના અંગેનું ચિત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ તમામ મોટી સ્થાનિક પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે. એકબીજી પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. સાથે જ તમામ પક્ષોએ જનતાને અલગ-અલગ વચનો આપવાનું પણ શરૂ કરી દીધું છે.