આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
૧૩ દેશના ૩૪ અને ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજોના નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો જોવા મળશે
નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે તા.૧૨ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫” યોજાનાર છે. નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાશે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે થાય, વિદેશમાંથી આવતા પતંગબાજોની સુરક્ષા સાથે પ્રોટોકોલ જળવાય રહે તેની કાળજી રાખવા અને પતંગોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે જોવા સૌને પોત પોતાની ફરજ અદા કરવા જણાવ્યું હતું.
આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વર્ષે ૧૩ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિસ્મરણીય બની રહેશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ કલેક્ટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, ગુજરાત પ્રવાસન નિગમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના આધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા