ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ,ત્રણ દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, એમાં HMPV વાઇરસ આવ્યો હતો. એને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ પહોંચી સેમ્પલ લઈને ગાંધીનગર અને અમદાવાદ મોકલી આપ્યાં હતાં. જેનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 7 વર્ષીય બાળક હાલમાં બેબીકેર હોસ્પિટલમાં છે, જેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, સારવાર ચાલુ છે, એવું હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ઈમ્તિયાઝભાઈ મેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.