બેંગલુરુના કેઆર માર્કેટમાં બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાના ઘરેણાં, રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પીડિતાએ સેન્ટ્રલ ડિવિઝનના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બેંગલુરુના કેઆર માર્કેટ વિસ્તારમાં ગોડાઉન સ્ટ્રીટ પાસે બની હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પીડિતા યેલહંકા વિસ્તારમાં જવા માટે બસની રાહ જોઈ રહી હતી. મહિલાએ આરોપીઓને તેના ગંતવ્ય સ્થાન પર જતી બસ વિશે પૂછ્યું હતું. તેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ પોતે સારા વ્યક્તિઓ હોવાનું કહ્યું હતુ. તેણીને કહ્યું કે તેઓ જાણે છે કે બસ ક્યાં રોકાશે અને તેણીને પોતાની સાથે લઈ ગયા હતા.
આરોપીઓ તેણીને ગોડાઉન સ્ટ્રીટ પર લઈ ગયા જ્યાં તેઓએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. આ પછી આરોપીઓએ તેણીના ઘરેણાં, રોકડ રકમ અને મોબાઇલ ફોન લૂંટી લીધા અને ભાગી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે. આ ઘટના અંગે વધુ માહિતી હજુ સુધી બહાર આવી નથી.
દરમિયાન, ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું, “કર્ણાટક લૂંટારાઓ અને બળાત્કારીઓ માટે સ્વર્ગ બની ગયું છે.”
પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, “કર્ણાટક એક સમયે તેની સંસ્કૃતિ, મૂલ્યો અને સુરક્ષા માટે જાણીતું હતું, હવે તે લૂંટ અને અત્યાચારના કેન્દ્ર તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. બેંગલુરુમાં કેઆર માર્કેટ પાસે બસની રાહ જોઈ રહેલી એક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. બળાત્કારની ઘટના અને લૂંટ એ ખૂબ જ ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ઘટના રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે.
તેમણે કહ્યું કે બેંગલુરુ ગેંગરેપ કેસને અત્યંત ગંભીરતાથી લેવો જોઈએ. ગુનેગારોને પકડીને કડક સજા આપવી જોઈએ. તેમણે કહ્યું, “હત્યા, લૂંટફાટ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને બળાત્કારના કિસ્સાઓએ નાગરિક સમાજને નિરાશામાં મૂકી દીધો છે. જો આવી ઘટનાઓ ફરીથી બનતી રહેશે તો તેમાં કોઈ શંકા નથી કે લોકો ઉભા થશે અને આ સરકારને પાઠ ભણાવશે. ભાજપ કર્ણાટક રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષણ માટે લડવા માટે પ્રતિબદ્ધ છે.”