મહાકુંભનો આજે 13મો દિવસ છે. શનિવારે સવારે કિલા ઘાટ ખાતે યમુના નદીમાં એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો યમુના નદીમાં ડૂબવા લાગ્યા. વોટર પોલીસે લાઇફ જેકેટ અને રિંગ્સ ફેંકીને બધાને બચાવ્યા. જ્યાં અકસ્માત થયો હતો, ત્યાં યમુનાની ઊંડાઈ લગભગ 35 ફૂટ હતી. બધાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.વહેલી સવારે મહાકુંભ વિસ્તારમાં સેક્ટર-2 નજીક બે ગાડીઓમાં અચાનક આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર વિશાલ યાદવે કહ્યું- એક કારમાં આગ લાગી હતી. તેની પાસે પાર્ક કરેલી બીજી કાર પણ અડધી બળી ગઈ હતી. કારણ હજુ સ્પષ્ટ નથી.
સીએમ યોગી પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેમણે અખિલ ભારતીય અવધૂત વેશ બાર સંપ્રદાય યોગી મહાસભામાં ભાગ લીધો હતો.મહાકુંભની શરૂઆત પછી આ તેમની ત્રીજી મુલાકાત છે. તેઓ મૌની અમાવસ્યા સ્નાન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરશે. આ દિવસે 8થી 10 કરોડ લોકો સ્નાન કરવા પહોંચી શકે છે એવો અંદાજ છે. કુંભમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના શહેરી વિસ્તારમાં 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ધોરણ 8 સુધીની બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.