
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો ઉભેલી પીકઅપ વાન પાછળ બાઈક ચાલક ભટકાયો હતો
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતી એક પિકઅપ વાનના ટાયરમાં પંક્ચર પડતાં તે બ્રિજ પર ઊભી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકનું વાહન પિકઅપ વાન સાથે ધડાકાભેર અથડાયું હતું.અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ બ્રિજ પર વારંવાર થતા અકસ્માતોને કારણે તે અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે.