ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુની રેલમછમ જોવા મળતી હોય છે. ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો પરીવારે આરોપ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જવાહરનગર રેલવે ફાયક પાસે ત્રણેય મૃતકોએ દારુ પીધાની આશંકા કરવામાં આવી છે. ત્રણેય મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્યારબાદ ત્રણેય મૃતકના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા હતા. ત્રણેય મૃતકોના FSL રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ ન હોવાનું સામે આવ્યું છે. પરંતુ સાચુ કારણ ત્રણેય મૃતકના પોસ્ટમોર્ટમ બાદ બહાર આવી શકે છે. દેશી દારૂ સાથે અન્ય કોઈ પ્રવાહી મૃતકોએ પીધું કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત આસપાસની હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે બીજા કોઈ વ્યક્તિને પણ દારુનું સેવન કર્યા પછી તબિયત ખરાબ થઈ છે કે નહીં. જોકે જવાહરનગરમાં દારૂ વેચતા બુટલેગરોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે.