Satya Tv News

ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના 4 ગુજરાતીઓ એક ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઈટમાં પહોંચશે. અમદાવાદ આવી પહોંચેલા ચાર લોકોને પોલીસ પોતાના વાહનમાં બેસાડી તેના વતનમાં લઈ રવાના થઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓને સમાવેશ થાય છે.

અમેરિકાથી અમૃતસર આવેલા 33 ગુજરાતીઓ પૈકીના ચાર લોકો પેસેન્જર ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. જ્યારે અન્ય 29 લોકો બપોરે આવનારી અન્ય ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમૃતસરથી અમદાવાદ ફ્લાઈટમાં આવેલા ચાર લોકોમાં મહેસાણા, સુરેન્દ્રનગર અને ગાંધીનગરના એક-એક વ્યકિત એરપોર્ટની બહાર આવતા પોલીસ તેઓને લઈ તેમના વતનમાં રવાના થઈ છે. જ્યારે એક વ્યકિત હાલ એરપોર્ટમાં જ હાજર છે. તેમના સ્વજન બીજી ફ્લાઈટમાં આવી રહ્યા હોય તેઓ તેમની રાહ જોઈ રહ્યા છે.

error: