
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી કારમી હાર બાદ પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેજરીવાલની પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે. ગુજરાતમાં કેજરીવાલે ખાતું ખોલાવતા દિલ્હીમાં હારથી નિરાશ થયેલી પાર્ટીને મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે. સલાયાના વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ-૧ માં પાર્ટીના બધા ઉમેદવારો જીત્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની ટક્કરનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો. સલાયા નગરપાલિકાના વોર્ડ-૨માંથી પણ AAPના ચારેય ઉમેદવારો જીત્યા છે.
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં. 3માં ઝાડુને લોકોને આવકાર આપ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના ચારેય સભ્યોએ જીત મેળવી છે. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવાડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજ પડાણીયાએ સારું પ્રદર્શન કર્યું. જોકે, તે 31 મતથી ચૂંટણી હારી ગયા.